આત્મીય સ્વજનો,
કડવા પાટીદારના તમામ પરિવારોને વિશ્વ ઉમિયાધામના માધ્યમથી વિશ્વસ્તરીય શિસ્તબધ્ધ સંગઠનની રચના દ્વારા એકમેકથી જોડી સમાજના દરેક વર્ગને આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે સમૃધ્ધ બનાવવાના અને સવાઁગી વિકાસ કરવાના મુખ્ય ધ્યેય સાથે સ્વપ્નદ્રષ્ટા અને કર્મયોગી વ્યક્તિઓના સામુહિક સંકલ્પથી “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન” અસ્તિત્વમાં આવેલ છે. આ સંસ્થા મા ઉમિયાના પરિવારોને સામર્થ્યવાન બનાવી સન્માન સહિત વિશ્વના પડકારો સામે અડિખમ ઉભો રહે તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાના ઉદ્દેશ સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા તત્પર અને સતત કાર્યશીલ છે.
આવો, આપણા ખમીરવંતા સમાજની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી પરીણામ લક્ષી યોજનાઓનું આયોજન કરીએ અને સમસ્ત કડવા પાટીદાર કુળના વિકાસની નવી ક્ષિતિજો સર કરવાના અને આવનારી પેઢી આપણા માટે ગર્વ લઈ શકે એવું કંઇક કરવાના દ્રઢ સંકલ્પ લઇએ.
આવો, આપણા જમીરવંતા સમાજમાં રહેલ આત્મબળ, મનોબળ, વિદ્યાબળ, ધનબળ, મિત્રબળ, બુદ્ધિબળ, સંઘબળ અને સંકલ્પબળ નો એક સાથે સુઘડિત આયોજન અને ઉપયોગ કરી વૈશ્વિક સ્તરે આપણી એક અલગ ઓળખ નક્કી કરીએ.
પાટીદાર સમાજના સવાઁગી વિકાસ માટે એક પછી એક કદમ માંડવાના અને પગથિયા ચડવાના સંકલ્પની સફળતાના મૂળમાં આપણી સંગઠન શકિત જે પ્રબળ અને પ્રભાવી હશે તો આપણાં સપનાં સાકાર કરવા સરળ હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. “સંઘે શક્તિ કલિયુગે”.
પ્રાથમિક ચરણમાં, ગુજરાતમાં અને વિશ્વમાં વસતા બસોથી વધારે અમીરવંતા ભામાશા પાટીદારો એ સ્વેચ્છાએ ટ્રસ્ટી પદ સ્વીકારીને સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના વ્યક્ત કરેલ છે, આવા ભામાશાઓની કર્તવ્ય નિષ્ઠા પર મા ઉમાની અસીમ કૃપા વરસતી રહેશે અને સમાજ તેમના આ સેવા કાર્યને કદી ભૂલશે નહીં તેની આ સંસ્થા ખાત્રી આપે છે.
આવો, આપશ્રીને પણ “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન” ના નિ:સ્વાર્થ કર્મયોગી તરીકે સમાજના આ નિર્ણિત કાર્યમાં યથાશક્તિ આપનું અમૂલ્ય આર્થિકદાન, સમયદાન, બુધ્ધિદાન કે કંઇપણ યોગદાન સંસ્થાને સમર્પિત કરવા અમો આમંત્રિત કરીએ છીએ.
આવો, મા ઉમિયાના ભવ્યાતિ ભવ્ય, અદ્વિતિય, દેદીપ્યમાન, અનુપમ અને વિશ્વવિખ્યાત અજાયબી સ્વરૂપ એવા મંદિરના અને સામાજીક એમ્પાવરમેન્ટ હબના નિર્માણ માટે આ સંસ્થાના કેન્દ્ર સાથે અતૂટ જોડાણ કરીએ અને દ્રઢ સંકલ્પને સફળ બનાવવા અચૂક પ્રયત્ન કરીએ.
સૌના સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બનાવવા મા ઉમિયા સર્વેને અકલ્પનીય શક્તિનો સંચાર કરે અને સંસ્થામાં સર્વે પાટીદારો ને કોઈપણ રીતે સહભાગી બનવા પ્રેરણા આપે તેવી પ્રાર્થના અને શુભેચ્છા સહ………….“વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન” આપ સૌનું સ્વાગત કરે છે.